Friday, November 14, 2014

મારે મારા ભવિષ્યનો વિચાર નહીં કરવાનો?

મેરે કમરે મેં અંધેરા નહીં રહને દેતા, આપ કા ગમ મુજે તન્હા નહીં રહને દેતા,
રેત પર ખેલતે બચ્ચોં કો અભી ક્યા માલૂમ, કોઈ સૈલાબ ઘરૌંદા નહીં રહને દેતા.
-મુનવ્વર રાણા
આખી દુનિયા જાણે છે કે કાલે શું થવાનું છે, એ કોઈને ખબર નથી છતાં સમગ્ર વિશ્વના લોકો ભવિષ્યની ચિંતા કરતાં રહે છે. આપણે બધા જ ગાતા રહીએ છીએ કે, 'આજનો લ્હાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?' આમ છતાં આપણે આજમાં જીવી શકતા નથી. માણસો મોટા ભાગે ગઈ કાલમાં અથવા તો આવતી કાલમાં જીવતા રહે છે. વીતી ગયેલી ક્ષણો પાછી આવવાની નથી અને હવે પછી આવનારી પળોનો તો કોઈને અંદાજ પણ હોતો નથી. સમય ક્યારે માણસના મનસૂબા ઊથલાવી દે એ કહેવાય નહીં. સમય, સ્થિતિ,સંજોગ અને આયખું અનિશ્વિત છે. હવે પછીની ક્ષણ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ, ગમે એવી પણ હોય અને કદાચ ન ગમે એવી પણ હોય, કલ્પના મુજબની પણ હોય અને અકલ્પનીય પણ હોય! માણસ અંદાજ બાંધીને જીવતો રહે છે કે આવું હશે, આમ થશે, હું આવું કરીશ, મારે આમ કરવું છે. અનિશ્વિતતાને અનુકૂળ કરવાના પ્રયાસમાં જ જિંદગી આગળને આગળ સરકતી રહે છે.
ભવિષ્યનો વિચાર આપણો કેટલો બધો વર્તમાન ખાઈ જતો હોય છે? આપણને બધું જ 'સિક્યોર્ડ' જોઈએ છે. સુખ પણ અને સંબંધ પણ, કરિયર પણ અને આવક પણ. આપણે એવું જ ઇચ્છતા રહીએ છીએ કે આપણે જેમ વિચાર્યું હોય, આપણે જેવું પ્લાનિંગ કર્યું હોય અને આપણે જેવું ધારતાં હોય એવી જ રીતે બધું ચાલે. આપણને એટલી ખબર પણ હોય છે કે આપણે ધારીએ એમ થવાનું નથી છતાં આપણે ધારી લેતા હોઈએ છીએ. અભ્યાસની પસંદગી વખતે આપણે વિચારીએ છીએ કે ફ્યુચર કેવું રહેશે? સંબંધ બાંધતી વખતે આપણે ભાવિને નજરમાં રાખી વ્યવહારો કરીએ છીએ. લગ્ન કરતી વખતે કેટલી બધી તપાસ કરાવીએ છીએ. નોકરી શરૂ કરીએ એ પહેલાં પ્રમોશનના વિચાર કરીએ છીએ. સરવાળે થાય છે શું? જે થવાનું હોય છે એ જ. જિંદગી અચાનક યુ ટર્ન લઈ લે છે અને દિશા બદલાઈ જાય છે. આપણે કહીએ છીએ કે આવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. 'પડશે એવા દેશું' એવું માનવામાં એક ફાયદો છે. એક તો 'કેવા પડશે' એ મામલે ગમે એવા પડી શકે છે એવી આપણી માનસિક તૈયારી હોય છે. 'કેવા દેશું' એ પણ આપણે નક્કી કરતાં નથી. જોયું જશે એવું વિચારવામાં પણ જોખમ તો લાગતું જ હોય છે. માણસ વર્તમાનમાં જીવવાની ગમે એવી વાતો કરે પણ એ ભવિષ્યનું પ્લાનિંગ તો કરતો જ હોય છે. કરવું જ પડે છે અને કરવું જ જોઈએ. કાલ કેવી ઊગવાની છે એ કોઈને ખબર હોતી નથી, પણ કાલ ઊગવાની તો છે જ એ વાતો આપણને ખબર હોય જ છે. સવાલ એક જ હોય છે કે આવતી કાલની ઉપાધિમાં તમે તમારી આજને કેટલી વેડફો છો?
છૂટા પડતી વખતે, ભાગલા પાડતી વખતે અને ડિવોર્સ લેતી વખતે આપણે ભવિષ્યનો કેટલો બધો વિચાર કરીએ છીએ? બધા એક જ વાત કરતાં હોય છે કે મારે મારા ભવિષ્યનો વિચાર કરવાનો કે નહીં? એક પતિ-પત્નીને ન ફાવ્યું. ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. છૂટા પડતાં પહેલાં પતિએ પત્નીને પૂછયું કે તને શું જોઈએ છે? તને શું આપું? પત્નીએ કહ્યું કે, તને જે ઠીક લાગે તે. પતિએ કહ્યું કે કેમ આવી વાત કરે છે? તારે પણ તારા ભવિષ્યનો વિચાર કરવાનો ને. પત્નીએ કહ્યું કે ભવિષ્યનો વિચાર તો તારી સાથે મેરેજ કરતી વખતે પણ કર્યો હતો. શું થયું? જે થવાનું હતું એ જ થયું ને? પતિએ કહ્યું કે એક તો તું કરિયાવરમાં જે લાવી હતી એ બધું જ તને પાછું મળશે. પત્નીએ કહ્યું કે, મારો સમય તું પાછો આપી શકીશ? તારી સાથે જોયેલાં સપનાં પાછાં આપી શકીશ? જે અધૂરું રહી ગયું છે એનું કોઈ વળતર હોઈ શકે? તારી સાથે હસી છું એની કિંમત હું કઈ રીતે ચૂકવું? તારા કારણે રડી છું એનો હિસાબ તું કેવી રીતે ચૂકવીશ? જવા દે બધું. બસ જલદી કર. તારાથી અલગ થઈ મારે ખુલ્લી હવામાં જવું છે. તારી સાથે જીવવાના જે શ્વાસ લીધા છે એને ખાલી કરી નવી હવા દિલમાં ભરવી છે. જિંદગીની નવલકથાનો અંત આવો વિચાર્યો ન હતો. હવે નવો અધ્યાય શરૂ કરવો છે. કેવા ભવિષ્યનો વિચાર કરવાનો? જે અનિશ્વિત છે એનો? ફેરા ઊંધા ફરી શકાતા નથી તો પછી જિંદગીને હું શા માટે રિવર્સમાં જવા દઉં? તારે મને કંઈક આપવું છે ને? તો મુક્તિ આપી દે! તારા વિચારોથી મુક્તિ, તારા વર્તનથી મુક્તિ, તારા હાસ્યથી મુક્તિ,આપણાં રુદનથી મુક્તિ. મને પણ મુક્તિ આપી દે અને તું પણ મુક્ત થઈ જા. ઇતિહાસ તીક્ષ્ણ હોય છે, ભવિષ્યમાં આપણે એની ધારથી બચી શકીએ તો એ પણ બહુ મોટી વાત છે!
કેટલાંક લોકો વળી ભવિષ્યની ચિંતામાં એનો વર્તમાન દફનાવી દે છે. ભવિષ્યનો વિચાર ઘણી વખત માણસને ભવિષ્યમાં ડિસ્ટર્બ કરતો રહે છે. એક વયોવૃદ્ધ વ્યક્તિની આ વાત છે. મોટી ઉંમરે એને પૂછયું કે કેમ છો? મજામાં છું એવું કહેવાને બદલે તેણે કહ્યું કે'સિક્યોર્ડ' છું! તેને પૂછયું કે કેમ આવી રીતે વાત કરો છો? એની આંખોના ખૂણા ભીના હતા. તેણે કહ્યું કે મેં આખી જિંદગી ભવિષ્યના જ વિચાર કર્યા! આજે મારી પાસે બધું જ છે. પૂરતી મિલકત છે, સરસ ઘર છે, કાર છે, નોકર-ચાકર છે, બીમાર પડું તો બેસ્ટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી શકું એટલી ત્રેવડ છે, પણ એક વિચાર કોરી ખાય છે કે આ બધું મેં કંઈ કિંમતે મેળવ્યું? જિંદગીની કિંમત ચૂકવીને? જે જીવવાનું હતું એ તો જીવ્યો જ નહીં! મને હવે એ જ સમજાતું નથી કે હું જીવવાનું પ્લાનિંગ કરતો હતો કે મરવાનું? એ વ્યક્તિએ પછી તેની જિંદગીની માંડીને વાત કરી.
સરસ મજાની જિંદગી હતી. જિંદગીનાં સુંદર સપનાં હતાં. મા-બાપે સારી રીતે ભણાવ્યો. ડાહી અને સંસ્કારી છોકરી શોધીને મેરેજ કરાવ્યાં. પત્નીએ જોતાં જ વહાલી લાગે એવી દીકરીને જન્મ આપ્યો. જિંદગીએ પછી ટર્ન લીધો. વિદેશથી એક નોકરીની ઓફર આવી. બહુ જ સારો પગાર હતો.
લાઇફ મસ્ત થઈ જશે એવું વિચારીને એ ઓફર સ્વીકારી લીધી. અમુક સંજોગોને કારણે પત્ની અને દીકરીને સાથે લઈ જઈ ન શક્યો. ભવિષ્ય તો સારું જશે ને એ વિચારે એકલો ચાલ્યો ગયો. ખૂબ મહેનત કરી. વર્ષે-બે વર્ષે પત્ની અને દીકરીને મળવા આવતો. થોડા દિવસો સ્વર્ગ જેવા લાગતા. નોકરી પર પાછો ચાલ્યો જતો. આમ ને આમ અઢી દાયકા વીતી ગયા. દીકરીને એક છોકરા સાથે પ્રેમ થયો. છોકરો સારો હતો. નોકરી પરથી રજા લઈને ઘરે આવી લગ્ન કરાવી દીધાં. દીકરી સુખી છે. રિટાયર્ડ થઈને પાછો આવ્યો. દીકરીના ઘરે દીકરો આવ્યો. મને એવું જ લાગતું હતું કે મેં બધું બરોબર કર્યું છે. સમાજની દૃષ્ટિએ બધંુ શ્રેષ્ઠ જ હતું. એવામાં એક ઘટના બની. હિસ્ટ્રી જાણે રિપીટ થતી હતી. જમાઈને વિદેશથી એક સારી જોબની ઓફર આવી. એવી જોબ જે દરેક માટે એક સપનું હોય. જમાઈ પણ પત્ની અને તેના દીકરાને સાથે લઈ જઈ શકે એમ ન હતો. એ કશ્મકશમાં હતો કે શું કરવું? એક દિવસ તેના ઘરે જઈને પૂછયું કે તેં પછી શું નક્કી કર્યું? જમાઈએ એક જ વાક્યમાં કહ્યું કે મેં એ ઓફર રિજેક્ટ કરી નાખી. ભવિષ્યની ચિંતામાં હું મારો વર્તમાન બગાડી ન શકું. મારા માટે પત્ની અને દીકરો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. આજે તેનાથી છૂટા પડી મારે કોઈ ખુશી નથી જોઈતી. તેનો આ જવાબ મને હચમચાવી ગયો. હવે મારી જાત જ મારી પાસે મારાં વીતી ગયેલાં પચીસ વર્ષનો હિસાબ માગે છે અને હું તાળો મેળવી શકતો નથી. દીકરીને હું રમાડી ન શક્યો. તેનું બચપણ હું જોઈ ન શક્યો. સમજુ પત્નીએ કોઈ દિવસ ફરિયાદ ન કરી પણ હવે મને જ સવાલ થાય છે કે મેં શું કર્યું? અમારા બંનેની ઉંમર મોટી થઈ ગઈ. જીવવાનું હતું એ તો ચાલ્યું ગયું. મારી આ 'સિક્યોરિટી' હવે મને સતાવી રહી છે. કાશ હું પણ ન ગયો હોત તો? આજે છે એ કદાચ ન હોત પણ મેં જે ગુમાવ્યું છે એ તો જીવી લીધું હોત!
ભવિષ્ય મહત્ત્વનું છે, પ્લાનિંગ્સ કરવાં જોઈએ પણ એ નિર્ણય કરતી વખતે તેના બદલામાં શું ચૂકવવાનું છે એનો વિચાર આપણે કરીએ છીએ ખરાં? આપણું ભવિષ્ય આપણું વર્તમાન કચડી નથી નાખતું ને? ઘણી વખત સલામતી કરતાં અસલામતીમાં જિવાતી જિંદગી વધુ સુંદર લાગે છે, કારણ કે એ વખતે આપણા લોકોનો સાથ અને આપણી વ્યક્તિની હૂંફ આપણી સાથે હોય છે. તમે આજે સુખી છો? તમે આજે ખુશ છો? તો ભવિષ્યના સુખ માટે આજના સુખ અને ખુશીનુું બલિદાન આપતા પહેલાં વિચાર કરજો. જે છૂટી જાય છે એ પછી અફસોસ બનીને જ રહી જતું હોય છે!                          
છેલ્લો સીન : 
ભવિષ્ય ભૂત જેવું હોય છે, જો આપણે ડરતા રહીએ તો એ ડરાવતું જ રહે છે

No comments:

Post a Comment