Thursday, November 20, 2014

ભાવ ના મળતા ખેડૂતોએ કપાસ ની હોળી કરી..

- કપાસ-મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતા  ખેડૂતોમાં આક્રોશ : કિસાન સંઘે આવેદન આપ્યું : મોડાસાયાર્ડમાં હરાજી  બંધ રહી
-
ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળે તો આગામી દિવસોમાં તમામ તાલુકા મથકે કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતોને છેલ્લા ઘણા વખતથી પોષણક્ષમ ભાવ મળતા નથી. બીજી તરફ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવથી કપાસની ખરીદી કરાઇ રહી છે. પરંતુ તેના કારણે ખેડૂતોને નુકશાન થઇ રહ્યુ છે. જેથી તેના વિરોધમાં ગુરૂવારે ભારતીય કિસાન સંઘના હિંમતનગર એકમ દ્વારા ખેડતસીયા રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં કપાસની હોળી કરીને વિરોધ કરાયો હતો અને મામલતદારને પણ આવેદનપત્ર અપાયુ હતું.

 આ અંગે કિસાન સંઘના ચંદુભાઇ પટેલ, રામાભાઇ પટેલ તથા પ્રવિણભાઇ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોને કપાસના ભાવ અંદાજે રૂા.800 ની આસપાસ મળી રહ્યા છે, જે પોષણક્ષમ નથી તેમજ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસની ખરીદી કરાઇ રહી છે, તેથી નુકશાન જાય છે. જેથી ગુરૂવારે હિંમતનગરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે કિસાન સંઘના અગ્રણીઓએ એકત્ર થઇ કપાસની હોળી કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા બાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

 ઉપરાંત ચાલુ સાલે કપાસના પાકમાં આવેલા સુકારાના રોગને કારણે ઉત્પાદન ખર્ચ પણ વધ્યુ છે. જેથી ખેડૂતોને ભાવ ઓછા મળતા બેવડો માર પડી રહ્યો છે. જો ખેડૂતોને સત્વરે પોષણક્ષમ ભાવ નહિ મળે તો આગામી દિવસોમાં તમામ તાલુકા મથકે વિવિધ કાર્યક્રમોનું નક્કી કરાયુ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ખેતીનો ધંધો ખોટમાં ચાલી રહ્યો છે તે પાછળ ખેડૂતોનું માનવુ છે કે વધુ ખર્ચ અને ઉત્પાદન ઓછું થાય છે. સમયસર ખાતર, બિયારણ મળતા નથી, પાણીની પણ અનેક ઠેકાણે અછત હોવાથી ખેડૂતો અન્ય પાક લઇ શકતા નથી.
મોડાસા : કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવો મેળવવા માટે કિસાનસંઘે ઉગ્ર માંગ ઉઠાવી માર્કેટયાર્ડ ગુરૂવારે બંધ રાખવા અપીલ કરી હતી. જેના અનુસંધાને મોડાસાયાર્ડ સંપૂર્ણ બંધ રહેતાં કોઇપણ માલની હરાજી કરવામાં આવી ન હતી.

No comments:

Post a Comment